
ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સિહોર તાલુકાના ટોડી ગામ નજીક આવેલા ગૌચરણ વિસ્તારમાં પશુ ચરાવી રહેલા પશુપાલક પર સિંહે અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.
મળતી માહિતી મુજબ, ટોડી ગામના રહેવાસી અને પશુપાલક વિજયભાઈ બલિયા પોતાના પશુઓને ગૌચરણ વિસ્તારમાં ચરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક સિંહે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વિજયભાઈને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર અન્ય લોકો દોડી આવ્યા અને હોબાળો મચાવતા સિંહ જંગલ તરફ ભાગી ગયો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોએ વિજયભાઈને તાત્કાલિક પાલીતાણા તાલુકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે અને તબીબો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે.
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગૌચરણ વિસ્તાર તેમજ ખેતરોની આસપાસ સિંહોની અવરજવર વધતા પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને અસરકારક પેટ્રોલિંગ વધારવા, સિંહોની હિલચાલ પર સતત નજર રાખવા તેમજ જોખમી વિસ્તારોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવી ઘટનાઓમાં વધારો થઈ શકે છે, તેથી વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી લોકોમાં સુરક્ષાની ભાવના ઉભી કરવી જરૂરી બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA