જામનગરમાં વિદ્યાર્થીનીનો ઓનલાઈન હેરાનગતિ કરી અનિચ્છનીય માંગણીઓ કરનાર શખ્સ ઝડપાયો
જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષની વિદ્યાર્થીનીનો સોશિયલ મીડિયા મારફતે સતત ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી તેમજ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર એક શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હા
સાયબર ક્રાઇમ પોલીસ ની કાર્યવાહી


જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષની વિદ્યાર્થીનીનો સોશિયલ મીડિયા મારફતે સતત ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી તેમજ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર એક શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લીપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં સઘન તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની તપાસ દરમિયાન સેટેલાઇટ પાર્ક, જામનગર ખાતે રહેતા વૃષિત વ્રજલાલ વાળાની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીના ભાઈનો ફોટો ઓનલાઈન મેળવી એ.આઈ. ટૂલની મદદથી તેમાં ફેરફાર કર્યો હતો અને તે ફોટો ઇન્સ્ટાગ્રામ મારફતે ફરિયાદી યુવતીને મોકલી તેના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડવાની ધમકી આપી હતી. ઉપરાંત આરોપી વારંવાર વીડિયો કોલ કરી યુવતી પર પોતાના તાબે થવા દબાણ કરતો હતો તેમજ સતત ઓનલાઈન પીછો કરીને અનિચ્છનીય માંગણીઓ કરી માનસિક હેરાનગતિ પહોંચાડતો હતો.

સાયબર પોલીસે બનાવમાં ઉપયોગમાં લેવાયેલા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતો મેળવી તેનું ટેકનિકલ વિશ્લેષણ કરતાં આરોપીની ઓળખ થઈ હતી. ત્યારબાદ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સાયબર ક્રાઇમ પોલીસે વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પોતાની વ્યક્તિગત માહિતી તથા ફોટોગ્રાફ્સ બિનજરૂરી રીતે સોશિયલ મીડિયા પર શેર ન કરે. જો કોઈ અજાણ્યો વ્યક્તિ સોશિયલ મીડિયા મારફતે ધમકી આપે, અશ્લીલ સંદેશા મોકલે અથવા અનિચ્છનીય માંગણીઓ કરે તો તાત્કાલિક માતા-પિતા અને નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande