
મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.)
માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા દ્વારા વિસનગર શહેરમાં વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને વિસનગર બાયપાસ રોડના કિ.મી. 0/000થી 8/200 સુધી નવીન ચારમાર્ગીય માર્ગના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની સાથે મુસાફરોને વધુ સુરક્ષિત અને ઝડપી માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે.
વિભાગના જણાવ્યા મુજબ હાલમાં શહેરમાંથી પસાર થતા ભારે વાહનોને બાયપાસ માર્ગ પર ડાયવર્ટ કરી શકાશે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે, મુસાફરીનો સમય ઓછો થશે તેમજ ઇંધણની બચત સાથે માર્ગ અકસ્માતોમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે.
ચારમાર્ગીય માર્ગ બનવાથી વિસનગર અને આસપાસના ગામોના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે. વેપાર, ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને પરિવહનની સારી સુવિધા મળતાં સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. ભવિષ્યના વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને આ માર્ગનું નિર્માણ આધુનિક ધોરણો મુજબ કરવામાં આવી રહ્યું છે.
માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા કામગીરી ગુણવત્તાયુક્ત ધોરણો અનુસાર અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR