
મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા જિલ્લાને સ્વસ્થ, સુપોષિત અને કુપોષણમુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મહેસાણા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર આંગણવાડી કેન્દ્ર ખાતે ‘સુપોષણ સંવાદ ગર્ભધારણ સંસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય અને ગર્ભસ્થ શિશુના સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓ માટે શાસ્ત્રોક્ત પદ્ધતિથી ગર્ભધારણ સંસ્કાર વિધિ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને પુષ્પવર્ષા સાથે ગર્ભસ્થ શિશુને સારા સંસ્કારો મળે તે હેતુથી ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત આહાર, નિયમિત આરોગ્ય તપાસ, જરૂરી સાવચેતીઓ અને માતા-શિશુના સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સુસંસ્કારિત અને સ્વસ્થ પેઢીના નિર્માણમાં માતાની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
દર મહિનાના પ્રથમ મંગળવારે યોજાતા ‘સુપોષણ સંવાદ’ કાર્યક્રમમાં આ પ્રકારની નવી પહેલ ઉમેરાતા ગર્ભવતી મહિલાઓમાં જાગૃતિ અને સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આઈ.સી.ડી.એસ. શાખાએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR