
મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે ઉત્તર ગુજરાતના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સ્થાનિક સ્તરે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે મહેસાણામાં ALIMCO સંચાલિત ‘પ્રધાનમંત્રી દિવ્યાંગજન સહાયતા/સેવા કેન્દ્ર’ સ્થાપવાની માંગણી કરી છે. આ અંગે તેમણે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારને પત્ર લખીને રજૂઆત કરી છે.
સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો વસવાટ કરે છે. હાલમાં કૃત્રિમ અંગો, સહાયક ઉપકરણો, ફિટિંગ, સમારકામ અને અન્ય સેવાઓ માટે તેમને અમદાવાદ અથવા અન્ય શહેરોમાં જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે.
તેમણે જણાવ્યું કે મહેસાણામાં આ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાતના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને એક જ સ્થળે કૃત્રિમ અંગો, સહાયક ઉપકરણો, ફિટિંગ, રિપેરિંગ, માર્ગદર્શન અને પુનર્વસન જેવી સેવાઓ સરળતાથી મળી શકશે.
સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્ર સરકારને આ રજૂઆત પર હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કેન્દ્રની સ્થાપનાથી દિવ્યાંગજનોના સશક્તિકરણને વેગ મળશે અને ‘વિકસિત ભારત–2047’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR