
મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC) ખાતે આજે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી-વેચાણની કામગીરી દરમિયાન રજકા બીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. ગયા અઠવાડિયે રજકા બીનો મહત્તમ ભાવ ₹8,950 પ્રતિ 20 કિલો હતો, જે આજે વધીને ₹12,031 પ્રતિ 20 કિલો પહોંચ્યો છે. આમ, માત્ર એક અઠવાડિયામાં મહત્તમ ભાવમાં ₹3,081નો વધારો નોંધાયો છે.
બજાર સમિતિના ભાવ મુજબ આજે રજકા બીની 33 બોરી આવક નોંધાઈ હતી. તેના ભાવ ₹8,410થી ₹12,031 પ્રતિ 20 કિલો રહ્યા હતા, જે આજે બજારમાં સૌથી ઊંચા રહ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ ગુણવત્તાયુક્ત માલની માંગ અને મર્યાદિત આવકને કારણે રજકા બીમાં તેજી જોવા મળી રહી છે.
એરંડાની 1,516 બોરી આવક સામે ભાવ ₹1,407થી ₹1,425 પ્રતિ 20 કિલો રહ્યા હતા. મોટી આવક છતાં ભાવ સ્થિર રહેતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. રાયડાની 201 બોરી આવક નોંધાઈ હતી, જેના ભાવ ₹1,483થી ₹1,516 પ્રતિ 20 કિલો રહ્યા હતા.
અનાજ વિભાગમાં ઘઉંની 70 બોરી આવક સામે ભાવ ₹481થી ₹551 પ્રતિ 20 કિલો નોંધાયા હતા. જ્યારે મસાલા પાકોમાં સુવાની 2 બોરી આવક સાથે ભાવ ₹1,765થી ₹2,000 અને અજમાની 15 બોરી આવક સામે ભાવ ₹400થી ₹2,781 પ્રતિ 20 કિલો રહ્યા હતા. વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં આવક, હવામાન અને બજારની માંગને આધારે ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR