
મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે બુધવારે ‘મહિલા નેતૃત્વ દિવસ’ અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં અંદાજે 623થી વધુ કિશોરીઓ, બાલિકા પંચાયતની સભ્યો અને માતાઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ અંતર્ગત બાલિકા પંચાયતની પ્રતિનિધિ દીકરીઓ સાથે વિશેષ સંવાદ યોજાયો હતો. તેમાં કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા, સામાજિક પ્રશ્નોમાં તેમની ભાગીદારી વધારવા તેમજ પંચાયત સ્તરે સક્રિય ભૂમિકા ભજવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને સમાજના વિકાસમાં નેતૃત્વ કરવાની પ્રેરણા આપી હતી.
વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે માતા અને નવજાત શિશુના આરોગ્ય માટે સ્તનપાનના મહત્વ અંગે આરોગ્ય નિષ્ણાતોએ વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ કિશોરીઓના પોષણયુક્ત આહાર, કન્યા શિક્ષણ અને મહિલાઓના આરોગ્ય અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આઈટીઆઈ દ્વારા ચલાવવામાં આવતા કૌશલ્ય વિકાસ કોર્સ અને સ્વરોજગારીની તકો અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં તાલુકા ડેલિગેટ, મહિલા સરપંચો, શિક્ષકો, તલાટીઓ, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR