

- પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ અને પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓને મળશે રાષ્ટ્રીય સન્માન
રાજપીપલા,05 ઓગસ્ટ (હિ.સ.) 15મી ઓગસ્ટ, 2026ના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ‘એટ હોમ’ સમારોહ માટે નર્મદા જિલ્લાના બે પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રણ મળતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચ પીપરી ગામના પ્રકૃતિ પ્રેમી અને મહિલા સશક્તિકરણ
ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ઉષાબેન વસાવા તેમજ રાજપીપળાના દેવનારાયણ સોસાયટીના
રહેવાસી અને ખૂટાઆંબા ગામે પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલ તડવીને ભારતના
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનના ‘એટ હોમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉષાબેન વસાવાએ વર્ષ 2005 થી તાલુકા લેવલથી ‘શ્રી નવ જીવન આદિવાસી મહિલા વિકાસ
મંચની સાથે જોડાયેલી છે તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર, પર્યાવરણ સંરક્ષણ અને મહિલા
સશક્તિકરણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી દ્વારા અનેક મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી છે.તેમની સેવાઓને રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર માન્યતા મળી રહી છે.
તે જ રીતે, વિશાલ તડવીએ પશુપાલન વિભાગમાં પોતાની ફરજ દરમિયાન જિલ્લામાં ઘરે-ઘરે
પહોંચી પશુઓના રસીકરણ, પશુ આરોગ્ય જાળવણી તેમજ વૈજ્ઞાનિક પશુપાલન અંગે પશુપાલકોને માર્ગદર્શન આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓના સન્માનરૂપે તેમને પણ રાષ્ટ્રપતિ ભવનના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના આ બંને પ્રતિનિધિઓને મળેલું આમંત્રણ સમગ્ર જિલ્લાના લોકો માટે ગૌરવની
બાબત છે અને તેમના કાર્યને મળેલી આ રાષ્ટ્રીય માન્યતા અન્ય લોકોને પણ સમાજસેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ