
નવસારી, 05 ઓગસ્ટ (હિ.સ.) નવસારીના મોઢ ઘાંચી પંચની વાડી ખાતે સમસ્ત નવસારી વિભાગ ગણેશ સંગઠનની સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક દરમિયાન ગિરીશ ભાસ્કરને સર્વાનુમતે સંગઠનના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રમુખપદ માટે સભ્યોને ઉમેદવારી નોંધાવવાની તક આપવામાં આવી હતી, પરંતુ તમામ સભ્યોએ એકમતથી ગિરીશ ભાસ્કરના નામને સમર્થન આપતા તેમની બિનહરીફ પસંદગી થઈ હતી. સાથે જ ગયા વર્ષના ગણેશોત્સવનો વાર્ષિક આવક-જાવકનો હિસાબ પણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતની અન્ય મુખ્ય જવાબદારીઓ માટે પણ નામોની જાહેરાત કરીને નવી કાર્યકારિણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. વર્ષ 1982થી કાર્યરત આ સંગઠન દર વર્ષે શહેરના વિવિધ ગણેશ મંડળો, પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન સાધી ગણેશ મહોત્સવના સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પ્રમુખ તરીકે પસંદગી બાદ ગિરીશ ભાસ્કરે જણાવ્યું કે તેમનું પ્રથમ લક્ષ્ય શહેરમાં ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને વિવાદમુક્ત રીતે યોજાય તે રહેશે. તેમણે ગણેશ મૂર્તિઓની ઊંચાઈ સહિતના મુદ્દાઓ પર પણ તમામ ગણેશ મંડળો અને વહીવટી તંત્ર સાથે સુમેળ જાળવીને કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે