
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર–કલ્યાણા–વામૈયા રૂટ પર લાંબા સમયથી મુસાફરો અને વિદ્યાર્થીઓની માંગ બાદ આજથી સવારની નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. શૈલેષભાઈ નાયીના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે આ સેવા શરૂ થઈ છે.
પાલનપુર એસટી વિભાગીય નિયામકની મંજૂરી બાદ સિદ્ધપુર ડેપોના મેનેજર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ સેવા શરૂ કરાઈ છે. બસ દરરોજ સવારે 9 વાગ્યે સિદ્ધપુરથી ઉપડી ઠાકરાસણ, નોદોત્રી, વરસીલા, સેવાણી, કલ્યાણા અને સાણોદડા થઈ સવારે 10 વાગ્યે વામૈયા પહોંચશે. ત્યારબાદ એ જ રૂટ પર પરત ફરી સિદ્ધપુર આવશે.
નવી બસ સેવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી બનશે. ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સમયસર અને સુરક્ષિત પરિવહનની સુવિધા મળશે.
વામૈયા ગામે બસના પ્રથમ આગમન સમયે ગ્રામજનોએ કુમકુમ તિલક કરીને બસનું સ્વાગત કર્યું હતું તેમજ ડ્રાઈવર અને કંડક્ટરનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ગ્રામજનોએ એસટી તંત્ર અને બસ સેવા શરૂ કરાવવા પ્રયત્નશીલ રહેલા શૈલેષભાઈ નાયીનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ