
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ સિટી એ ડિવિઝન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ખાલકપુરા વિસ્તારમાં માતા-પિતા વિહોણા બનેલા બે નાના બાળકોને રાશન કીટ અને અભ્યાસ માટે જરૂરી નોટબુકો આપી મદદનો હાથ લંબાવ્યો છે. સાથે જ ભવિષ્યમાં પણ બાળકોના અભ્યાસ અને લાલન-પાલન માટે શક્ય તમામ સહાય આપવાની ખાતરી વ્યક્ત કરી છે.
ખાલકપુરામાં રહેતા પિન્કી ભરતભાઈ પટણીનું તાજેતરમાં અવસાન થતાં તેમના બે નાના બાળકો અનાથ બન્યા છે. બાળકોના પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હોવાથી માતાના નિધન બાદ બંને બાળકો માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે, જેના કારણે તેમની પરિસ્થિતિ અત્યંત કરુણ બની છે.
બાળકોની પરિસ્થિતિની જાણ થતાં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી. પોલીસકર્મીઓએ બાળકોને જરૂરી રાશન કીટ અને નોટબુકોનું વિતરણ કરી અભ્યાસ ચાલુ રહે તે માટે પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત, આગામી સમયમાં પણ બાળકોને જરૂરી માર્ગદર્શન અને શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ