
મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાવસોર પાટિયા નજીક તેજસ ફાર્મ પાસેથી જમરૂખના જથ્થાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતા બોલેરો પિકઅપને ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹9.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરേന്ദ്രસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે ભાવસોર પાટિયા નજીક રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરજે-01-GD-1043 નંબરના મહિન્દ્રા બોલેરો પિકઅપમાં જમરૂખના કેરેટની આડમાં છુપાવીને લઈ જવાતી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,560 બોટલ-ટીન (536.16 લિટર) મળી આવી હતી.
પોલીસે અજમેર જિલ્લાના મોનુ ઘીસાલાલ સોહનાથ (ઉં.25) અને નાગોર જિલ્લાના હનુમાન હરલાલ ભવરુરામ (ઉં.22), બંને રાજસ્થાનના રહેવાસીઓની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ઉપરાંત પિકઅપ, બે મોબાઇલ ફોન સહિત કુલ ₹9.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR