


પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વલંબન દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદરના સોરઠીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સ્વરોજગાર-લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ સરકારી યોજનાઓ, બેંક લોન અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે મહિલાઓમાં રહેલી પ્રતિભા અને કૌશલ્યને યોગ્ય માર્ગદર્શન તથા પ્રોત્સાહન મળે તો તેઓ આત્મનિર્ભર બની સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી તેમજ બેટી બચાવો-બેટી પઢાવો, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન સહિતની યોજનાઓનો લાભ લેવા મહિલાઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વાહલી દીકરી યોજના, દીકરીના જન્મની વધામણા કીટ, શૈક્ષણિક કીટ તેમજ મહિલા સ્વલંબન યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને ચેક અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેળામાં વિવિધ સરકારી વિભાગો, બેંકો અને સંબંધિત સંસ્થાઓ દ્વારા સ્વરોજગારલક્ષી યોજનાઓ, લોન સહાય, સબસિડી તથા નાણાકીય સહાય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા અને તેને વિસ્તૃત કરવા માટે ઉપલબ્ધ સરકારી સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા વિવિધ પ્રયાસોની માહિતી આપી હતીકાર્યક્રમની આભારવિધિ જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમારે કરી હતી.
કાર્યક્રમના અંતે રોજગાર ઈચ્છુક મહિલાઓ માટે સૌરાષ્ટ્ર સિમેન્ટ રાણાવાવ, વાઇડ વિંગ્સ સ્કૂલ રાણાવાવ, સિગ્મા સ્કૂલ રાણાવાવ, એસ.બી.આઈ. લાઇફ ઇન્ચોરન્સ પોરબંદર અને એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા પોરબંદર દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી.આર. પરમાર, એસબીઆઈ આરએસઈટીઆઈના ડિરેક્ટર રમેશચંદ્ર મીના સહિત ઉપસ્થિત નોકરીદાતાઓ દ્વારા મહિલાઓ અંગેની યોજનાઓ અંગે માહિતી આપી આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya