
ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.)'સફાઈ અપનાવો, બીમારી ભગાવો' જનજાગૃતિ અભિયાન તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026ના અસરકારક અમલીકરણના ભાગરૂપે વોર્ડ નં. 5ના સફાઈ કર્મચારીઓ માટે કચરાના યોગ્ય સેગ્રિગેશન (પૃથક્કરણ) અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સફાઈ કર્મચારીઓને સૂકા અને ભીના કચરાના વૈજ્ઞાનિક નિકાલ તેમજ કચરા વ્યવસ્થાપનની આધુનિક પદ્ધતિઓ અંગે માહિતગાર કરવાનો હતો.
તાલીમ દરમિયાન અધિકારીઓએ ઘરેથી જ કચરાનું પૃથક્કરણ કરાવવાની પ્રક્રિયા, રિસાયકલ કરી શકાય તેવા કચરા અને અન્ય ઘન કચરાના અલગ સંગ્રહનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026 મુજબ કચરાના સંગ્રહ, પરિવહન અને વૈજ્ઞાનિક નિકાલ માટે અપનાવવાની જરૂરી માર્ગદર્શિકાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સફાઈ કર્મચારીઓને કામગીરી દરમિયાન વ્યક્તિગત સુરક્ષા સાધનો (PPE)નો નિયમિત ઉપયોગ કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોમાં કચરા પૃથક્કરણ અંગે જાગૃતિ ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચરાનું યોગ્ય સેગ્રિગેશન માત્ર શહેરને સ્વચ્છ રાખવામાં જ નહીં, પરંતુ પર્યાવરણનું સંરક્ષણ, રોગચાળાની રોકથામ અને રિસાયકલ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA