મોટી પાણીયાળીની કસ્તુરબા વિદ્યાલયની બહેનોની ફૂટબોલ ટીમ જિલ્લા ચેમ્પિયન, હવે રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ
ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આયોજિત શાળાકીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલી અંડર-17 (U-17) ગર્લ્સ ફૂટબોલ સ્પર્ધામાં કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોટી પાણીયાળીની બહેનોની
કસ્તુરબા શાળા ફાઈલ ફોટો


ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આયોજિત શાળાકીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલી અંડર-17 (U-17) ગર્લ્સ ફૂટબોલ સ્પર્ધામાં કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોટી પાણીયાળીની બહેનોની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ટીમની આ સિદ્ધિથી સમગ્ર શાળા તેમજ વિસ્તાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

સ્પર્ધા દરમિયાન ટીમની ખેલાડીઓએ ઉત્તમ સંકલન, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પરિચય આપ્યો હતો. દરેક મેચમાં બહેનોએ જોરદાર દેખાવ કરીને પ્રતિસ્પર્ધી ટીમોને પાછળ રાખી જિલ્લા ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે.

જિલ્લા કક્ષાની આ ભવ્ય જીત બાદ હવે કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલયની ટીમ રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય સ્તરે પણ ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ વધુ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટીમની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ મોટાભાઈ નાનુભાઈ શિરોયાએ તમામ વિજેતા ખેલાડી બહેનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખેલાડીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને કોચના સતત પ્રયાસોની પ્રશંસા કરતાં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સફળતાએ શાળાની અન્ય વિદ્યાર્થિનીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવાની નવી પ્રેરણા આપી છે. કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલયની આ સિદ્ધિ સમગ્ર ભાવનગર જિલ્લાને ગૌરવ અપાવનારી બની છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ ટીમ શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી સૌને આશા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande