

પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં અજમલ ચૌધરી કેસમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે સમાજના આગેવાનોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કેસના આરોપીઓની અટકાયત કરી તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ એફઆઈઆર સહિતની કાનૂની પ્રક્રિયાની માહિતી સમાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
અજમલ ચૌધરીનું 11 જુલાઈએ અપહરણ, મારપીટ અને લૂંટની ઘટના બની હતી. આ મામલે 16 જુલાઈએ થરા પોલીસ મથકે પાંચ નામજોગ અને છ અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પીડિતને સંપૂર્ણ ન્યાય મળે તે માટે સમાજે સર્વાનુમતે 10 સભ્યોની વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટી સમગ્ર કેસની દેખરેખ રાખશે અને આગળની કાર્યવાહી અંગે માર્ગદર્શન આપશે.
સભામાં સમાજના આગેવાનોએ હાલ કોઈપણ રેલી કે જાહેર કાર્યક્રમમાં જોડાવું નહીં અને શાંતિપૂર્ણ રીતે કાનૂની લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. આગામી બેઠકમાં કમિટીની ભલામણના આધારે આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ