ગે ડેટિંગ એપના બહાને યુવકોને મળવા બોલાવી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ
સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) સુરત પોલીસે ગે ડેટિંગ એપનો ઉપયોગ કરીને લોકોને ફસાવી લૂંટ ચલાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ''રાજ'' નામથી નકલી પ્રોફાઇલ બનાવી યુવકો સાથે ઓનલાઈન મિત્રતા કરતા અને વિશ્વાસ જીત્યા બાદ તેમને વરાછા વિસ્તારમાં આવેલી અંડર
Surat


સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) સુરત પોલીસે ગે ડેટિંગ એપનો ઉપયોગ કરીને લોકોને ફસાવી લૂંટ ચલાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ 'રાજ' નામથી નકલી પ્રોફાઇલ બનાવી યુવકો સાથે ઓનલાઈન મિત્રતા કરતા અને વિશ્વાસ જીત્યા બાદ તેમને વરાછા વિસ્તારમાં આવેલી અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવતા હતા. ત્યાં પહોંચતા જ અન્ય સાગરિતો સાથે મળી હુમલો કરીને રોકડ અને મોબાઇલ લૂંટી લેતા હતા. પ્રાથમિક તપાસમાં છેલ્લા 15 દિવસ દરમિયાન ત્રણ લોકો આ ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

લિંબાયત વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા એક યુવકે ગે ડેટિંગ એપ પર 'રાજ' નામની આઈડી સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ તેને મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. સ્થળ પર પહોંચતા જ હાજર ત્રણ શખ્સોએ તેની સાથે મારપીટ કરી મોબાઇલ અને રોકડ છીનવી લીધી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ધાકધમકી આપીને તેના ખાતામાંથી ગૂગલ પે મારફતે રૂપિયા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

બનાવ બાદ ડરના કારણે યુવકે તરત ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ પરિવારના પ્રોત્સાહન બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે યુવકો અને એક કિશોરને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અગાઉ પણ બે લોકોને આવી જ રીતે ફસાવી લૂંટ ચલાવ્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લૂંટાયેલો મુદ્દામાલ કબજે કરી વધુ ભોગ બનનારાઓની શોધખોળ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande