આજથી અમદાવાદમાં બે દિવસની રિક્ષા ચાલકોની હડતાળ, પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ
- ઓફિસે જતા હતા, અધવચ્ચે ઉતારી દીધા. અમદાવાદ, 05 ઓગસ્ટ (હિ.સ.) : અદાણી દ્વારા CNGના સતત વધી રહેલા ભાવના વિરોધમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા આપવામાં આવેલી બે દિવસીય હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં રિક્ષાચાલકો હડતાળમાં
Two-day strike by rickshaw drivers in Ahmedabad from today


- ઓફિસે જતા હતા, અધવચ્ચે ઉતારી દીધા.

અમદાવાદ, 05 ઓગસ્ટ (હિ.સ.) : અદાણી દ્વારા CNGના સતત વધી રહેલા ભાવના વિરોધમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા આપવામાં આવેલી બે દિવસીય હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં રિક્ષાચાલકો હડતાળમાં જોડાયા હતા, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં રિક્ષા સેવા યથાવત્ ચાલુ રહી હતી.

જોકે, હડતાળને સફળ બનાવવા કેટલાક સ્થળોએ રિક્ષાચાલકોએ મુસાફરોને લઈ જતી રિક્ષાઓ રોકી મુસાફરોને રસ્તામાં જ ઉતારી દેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયને આજે 5 ઑગસ્ટથી બે દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જો કે, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિતના મોટા સંગઠનોએ આ હડતાલને સમર્થન ન આપતાં શહેરમાં હડતાલનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એસજી હાઈવે અને ઈસ્કોન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોને લઈને ફરતા નજરે પડ્યા હતા.

બીજી તરફ, વસ્ત્રાપુર ફાટક સહિતના વિસ્તારોમાં હડતાલને સમર્થન આપનારા રિક્ષાચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રિક્ષાઓ સાઈડમાં પાર્ક કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હડતાલ સફળ બનાવવા પેસેન્જર ભરીને જતી રિક્ષાઓને અધવચ્ચે રોકીને તેમાંથી મુસાફરોને નીચે ઉતારીને ખાલી કરાવવામાં આવી હતી, જેના લીધે રિક્ષાચાલકો વચ્ચે ભારે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ હડતાલ અને ખેંચતાણના કારણે નોકરીયાતો, કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અધવચ્ચેથી ઉતારી દેવાતાં લોકો સમયસર પોતાના સ્થળે પહોંચી શક્યા નહોતા અને ચાલવા મજબૂર બન્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા યુનિયનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો CNGના ભાવ વધારા અંગે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

એક રિક્ષા ચાલકે કહ્યું હતું કે, ગેસના ભાવ વધ્યા એની સામે રિક્ષાનું ભાડું પણ વધારવાની અને ગેસનો ભાવ ઓછો કરવા માંગ કરી છે. તો રોજે રિક્ષામાં જતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હડતાલના કારણે મુશ્કેલી પડી રહી છે. જો રિક્ષા નહીં મળે તો 10 કિલોમીટર ચાલીને જવું પડશે.

છેલ્લા ઘણા સમયથી અદાણી કંપની દ્વારા CNG ના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા પહેલી ઓગસ્ટે પણ એક સાથે જ 4 રૂપિયાનો વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

અગાઉ જ્યારે CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે ભાડામાં વધારો કરવા માટે પણ રિક્ષા ચાલકોએ માંગ કરી હતી. જે બાદ ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે બેઠક થયા બાદ ભાડામાં વધારો કરવા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ભાડામાં વધારા માટે સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં ના આવતા રિક્ષા ચાલકો વધારા સાથેનું ભાડું લઈ શકતા નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande