
સુરત, 05 ઓગસ્ટ (હિ.સ.) સુરતમાં ભાજપની આંતરિક બેઠક દરમિયાન થયેલો વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં સોસાયટીના પ્રશ્નો અને ડિમોલિશન મુદ્દે યોજાયેલી બેઠક દરમિયાન ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં વાત ઝપાઝપી સુધી પહોંચી, જેમાં જયશ્રી વોરા અને મનહર વોરાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મનહર વોરાનો આક્ષેપ છે કે ટીપી વિભાગના નિર્ણયો અને ડિમોલિશન કાર્યવાહી અંગે રજૂઆત કરતાં વાત બગડી હતી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે બંનેને ફ્રેક્ચર થયું છે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં પોલીસ ફરિયાદ કરવાની તૈયારી હતી, પરંતુ ધારાસભ્યની વિનંતી બાદ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની લેખિત રજૂઆત ભાજપના પ્રદેશ નેતાઓને મોકલી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ, ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ મારપીટના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને માત્ર સામાન્ય બોલાચાલી થઈ હોવાનું જણાવ્યું છે. ધારાસભ્ય કાંતિ બલરે પણ સ્વીકાર્યું કે બેઠક દરમિયાન બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી, પરંતુ મહિલા કોર્પોરેટર પર ઇરાદાપૂર્વક હુમલો થયો હોવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના બાદ ભાજપના આંતરિક મતભેદો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે અને હવે સંગઠન સ્તરે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે