જામનગરની પરિણીતાએ પતિ અને સાસુ સામે માનસિક-શારીરિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી
જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે લગ્નજીવન દરમિયાન સતત માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી દિવ્યા સુરેશભાઈ
ફરિયાદ


જામનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે લગ્નજીવન દરમિયાન સતત માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી દિવ્યા સુરેશભાઈ દામા (ઉ.વ. 27), હાલ વિદ્યાનગર વિસ્તારના પિયરમાં રહે છે. તેમના જણાવ્યા મુજબ તા. 12 જાન્યુઆરી, 2023ના રોજ પ્રતીકભાઈ વસંતભાઈ ભદ્રા સાથે સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નજીવનથી તેમને 16 માસનો એક પુત્ર છે.

ફરિયાદ મુજબ લગ્નના આશરે છ મહિના બાદથી પતિ નાની-નાની બાબતે ઝઘડા કરી ગાળો આપતા, મારકૂટ કરતા અને માનસિક ત્રાસ આપતા હતા. સાસુ સીતાબેન પણ ઘરકામ અને રસોઈ જેવી બાબતોમાં ઝઘડા કરી ગાળો આપતા તેમજ પતિને તેમની વિરુદ્ધ ચઢામણી કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

નવેમ્બર-2025 દરમિયાન મુંબઈ પ્રવાસ દરમિયાન પણ પતિએ દારૂના નશામાં માથાના વાળ ખેંચી ગાલ પર ઝાપટ માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે સાસુને જાણ કરવા છતાં તેમણે પતિનો પક્ષ લીધો હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.

સતત ત્રાસથી કંટાળી ફરિયાદી તા. 14 જાન્યુઆરી, 2026ના રોજ પુત્ર સાથે પિયર જતી રહી હતી. બાદમાં સમાજના આગેવાનોના સમાધાનથી ફરી પતિ સાથે અલગ રહેવા લાગી હતી. જોકે ગત તા. 19 જુલાઈના રોજ પતિએ પોતાના મિત્ર સાથે ઘરે દારૂ પીધો હતો અને વિરોધ કરતાં હાથ મરોડ્યો, વાળ ખેંચ્યા તથા ઝાપટ મારવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ફરિયાદી પુત્ર સાથે ફરી પિયરમાં જતી રહી હતી.

આ બનાવ બાદ મહિલા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા બંને પક્ષનું કાઉન્સેલિંગ કરાયું હતું. પરંતુ કોઈ સમાધાન ન થતાં આખરે પરિણીતાએ પોતાના પતિ પ્રતીક વસંતભાઈ ભદ્રા તથા સાસુ સીતાબેન વિરુદ્ધ મહિલા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande