
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) પાટણમાં ભગિની સમાજ અને જાયન્ટ સહિયર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સીવણ તાલીમ પૂર્ણ કરનાર 34 બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ 28 વિધવા બહેનોને જીવનજરૂરી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાશન કીટનું વિતરણ લ્યુનાબેન દેસાઈની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. અમેરિકામાં રહેતા રંજુલા ભરતભાઈ પટેલના પૌત્ર આરવના જન્મદિવસ નિમિત્તે 14 કીટનું દાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત રમેશ પટેલ, ડો. લીલા સ્વામી, નાગરિક બેંકના ચેરમેન, ભાવના પટેલ અને ગૌરવી મહેતાએ પણ કીટનું દાન આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત વલ્લરી મજમુદારની પ્રાર્થનાથી થઈ હતી. ડો. લીલા સ્વામીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેતા પટેલ, ડો. બાબુ પ્રજાપતિ, રમેશ પટેલ, વિશાખા દવે, ભાવના પટેલ અને લ્યુનાબેન દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાની બહેનો, તાલીમાર્થીઓ, વિધવા માતાઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન દિલીપ પટેલ અને કેતા પટેલે સ્વરોજગાર માટે બેંક લોન બાબતે સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
ડો. બાબુપ્રજાપતિ અને રમેશ પટેલે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ભાવના પટેલે ભવિષ્યમાં વધુ સેવાકીય, રોજગારલક્ષી અને વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમોમાં સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે વાલી પટેલે આભારવિધિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ