
સુરત, 06 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાગુ કર્યા બાદ સુરત મહાનગરપાલિકાએ શહેરભરમાં સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. વિવિધ ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા દરોડા પાડીને એનાલોગ પનીર-ચીઝનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે અને નિયમો મુજબ તેનો નાશ કરવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અચાનક અમલમાં આવેલા પ્રતિબંધથી વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ઘણા વેપારીઓનું કહેવું છે કે તેઓએ પહેલેથી જ મોટો સ્ટોક ખરીદ્યો હોવાથી હવે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે. વેપારીઓએ સરકારના નિર્ણયને ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે યોગ્ય ગણાવ્યો છે, પરંતુ જૂનો સ્ટોક ખાલી કરવા માટે ઓછામાં ઓછા 48થી 72 કલાકનો સમય આપવાની માંગ કરી છે.
ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ એનાલોગ પનીર અને ચીઝ દૂધની ફેટને બદલે વનસ્પતિ તેલ અને અન્ય પ્રોસેસ્ડ ઘટકો વડે તૈયાર કરવામાં આવે છે, જે લાંબા ગાળે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને અસલી ડેરી પ્રોડક્ટ્સ મળશે તેમજ બજારમાં ભેળસેળ અને ભ્રામક વેચાણ પર પણ નિયંત્રણ આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે