
રાજપીપળા,06 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લામાં કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને આધુનિક અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે માહિતગાર કરવા તેમજ તેમના ખેતરોમાં ચાલી રહેલી ખેતીની સ્થિતિનું નિરીક્ષણ કરવા દેડીયાપાડા અને ચિકદા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત યોજાઈ હતી.
આ દરમિયાન ખેડૂતો સાથે રૂબરૂ સંવાદ કરી પાક વ્યવસ્થાપન, જીવાત-રોગ નિયંત્રણ, પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ કૃષિ વિષયક મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળી તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે જ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડાના ડૉ. વી.કે.પોસીયા, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર ભૌમિક પંચોલી, આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર રાજેશ મિસ્ત્રી તથા અરવિંદ વસાવા ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ