


પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ન્યુ
એરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ખાગેશ્રી તથા
સરકારી આર્ટ્સ કોલેજ, રાણાવાવ ખાતે “રોજગાર નામ નોંધણી કેમ્પ
તથા ઓવરસીઝ સેમિનાર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત
મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી.
આ સેમિનારમાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ
એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર, રાજકોટના ઓવરસીઝ કાઉન્સેલર હમિરભાઇ
ચૌહાણ દ્વારા વિદેશમાં રોજગાર મેળવવા ઈચ્છુક યુવાનોને પાસપોર્ટ, વિઝા પ્રક્રિયા, વિદેશમાં રહેલી નોકરીની તકો તેમજ વિદેશ
જવાના નામે થતી છેતરપિંડી અને ફ્રોડથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા બાબતે ગહન
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદરના
જુનિયર રોજગાર અધિકારી દ્વારા શાળા અને કોલેજના કુલ 214 વિદ્યાર્થીઓને કારકિર્દી
ઘડતર અંગે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ જ સ્થળે રોજગાર કચેરી દ્વારા
નામ નોંધણી કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં ડી. આર. વાડિયા અને એમ. એમ. થોભાણીએ સફળ કામગીરી બજાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા રોજગાર
અધિકારી ડી. એ. પરમારના સક્ષમ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા
માટે સરકારી આર્ટ્સ કોલેજ, રાણાવાવના પ્રિન્સિપાલ આર.બી. જોષી તથા
ન્યુ એરા શાળા, ખાગેશ્રીના ટ્રસ્ટી મહેશભાઇ ભીંભાએ
જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya