ભાવનગર એસ.ટી. વિભાગની સ્વચ્છતા ઝુંબેશ: જુલાઈમાં 475 કેસ, દંડ વસૂલાયો
ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર એસ.ટી. વિભાગે બસ સ્ટેશન અને બસોમાં સ્વચ્છતા જાળવવાના હેતુથી જુલાઈ-2026 દરમિયાન વ્યાપક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા હી પરમો ધર્મના સંકલ્પને સાર્થક બનાવવા માટે વિભાગ સતત પ્રયાસશીલ
ભાવનગર ડેપો ફાઇલ તસવીર


ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર એસ.ટી. વિભાગે બસ સ્ટેશન અને બસોમાં સ્વચ્છતા જાળવવાના હેતુથી જુલાઈ-2026 દરમિયાન વ્યાપક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા હી પરમો ધર્મના સંકલ્પને સાર્થક બનાવવા માટે વિભાગ સતત પ્રયાસશીલ છે. મુસાફરોને બસ સ્ટેશન પરિસર અને બસોમાં ધુમ્રપાન ન કરવા, પાન-મસાલાની પીચકારી ન મારવા તેમજ ગંદકી ન ફેલાવવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં નિયમોનો ભંગ કરનારા તત્વો સામે સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

જુલાઈ મહિનામાં ભાવનગર વિભાગના વિવિધ ડેપોમાં કુલ 475 કેસ નોંધાયા હતા, જેમાં દંડરૂપે કુલ રૂ. 5,160ની વસૂલાત કરવામાં આવી હતી. ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, બરવાળા, બોટાદ અને ગઢડા સહિત તમામ ડેપોમાં જાહેર સ્થળે ધુમ્રપાન કરવા તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

એસ.ટી. પ્રશાસને જણાવ્યું છે કે મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઉપલબ્ધ કરાવવું વિભાગની પ્રાથમિકતા છે. તેથી મુસાફરોએ બસ કે બસ સ્ટેશન પરિસરમાં ધુમ્રપાન ન કરવું, પાન-મસાલાની પીચકારી ન મારવી અને કચરો માત્ર ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. સાથે જ અન્ય લોકોને પણ સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે.

વિભાગીય નિયામકે જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવી દંડાત્મક કાર્યવાહી સતત ચાલુ રહેશે. સ્વચ્છતા જાળવવામાં મુસાફરોનો સહકાર મળશે તો બસ સ્ટેશન અને બસોમાં વધુ સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande