સુરતમાં બોગસ ડૉક્ટરનો ભાંડો ફૂટ્યો, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ પોલીસની ઝપેટમાં
સુરત, 06 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં કોઈપણ માન્ય તબીબી ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે. છાપરાભાઠા વિસ્તારમાં આવેલા ''પટેલ ક્લિનિક'' પર મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્ય
Surat


સુરત, 06 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં કોઈપણ માન્ય તબીબી ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે. છાપરાભાઠા વિસ્તારમાં આવેલા 'પટેલ ક્લિનિક' પર મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસે સારવાર માટે જરૂરી કોઈ કાયદેસર લાયકાત ન હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો સહિત અંદાજે રૂ. 13 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ત્યાં એક ખાનગી હોસ્પિટલમાં લગભગ ત્રણ વર્ષ સુધી કંપાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ અનુભવના આધારે તે સુરતમાં આવી પોતાનું ક્લિનિક શરૂ કરીને ઇન્જેક્શન આપવાથી લઈને એલોપેથિક દવાઓ લખવા અને સારવાર કરવાની કામગીરી કરતો હતો. તેની પાસે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાની કોઈ કાનૂની મંજૂરી ન હતી.

દરોડા દરમિયાન પોલીસે એન્ટિબાયોટિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ, ડિજિટલ બ્લડ પ્રેશર મશીન, થર્મોમીટર અને અન્ય તબીબી સાધનો કબ્જે કર્યા છે. આરોપી સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande