


પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમાં જાહેર માર્ગો, ચોક અને અન્ય જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે ઘાસચારો વેચવાની
પ્રવૃત્તિ અટકાવવા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાની એનીમલ ન્યુસન્સ કંટ્રોલ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ
હાથ ધરી જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોને કાયદાકીય જોગવાઈઓ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના
જાહેરનામાનું કડક પાલન કરવા અંગે સમજ અને ચેતવણી આપવામાં આવી હતી.
આ ઝુંબેશ
દરમિયાન એનીમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાના અધિકારી ડી. એચ. સાટી તથા તેમની ટીમે પોલીસ
વિભાગના સહયોગથી કમલાબાગથી નરસંગ ટેકરી સુધીનો માર્ગ તેમજ ચોપાટી ખાતે પેરેડાઇઝ
ફુવારાથી ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ
દરમિયાન જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોનો સીધો સંપર્ક કરી જાહેર માર્ગો પર
ઘાસચારો વેચાણ ન કરવા અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું કડક પાલન કરવા સૂચના
આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે જાહેર માર્ગો પર ઘાસચારો
વેચવાથી રખડતા ઢોર રસ્તા પર એકત્ર થતાં હોવાથી ટ્રાફિક અવરોધ, ગંદકી તેમજ અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સંબંધિત ઇસમોને સ્થળ પર જઈ રૂબરૂ સમજાવટ કરવામાં આવી
હતી અને નિયમો અંગે જાણ કરવામાં આવી હતી, તેમ છતાં સમજાવટ
અને જાણકારી બાદ પણ બેદરકારી દાખવી નિયમોનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે વિશેષ ઝુંબેશ
દરમિયાન કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી અંતર્ગત નિયમોનો ભંગ કરતા કુલ 7
ઇસમો સામે મહાનગરપાલિકાની એનીમલ ન્યુસન્સ કંટ્રોલ શાખા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ
કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ જાહેર સ્થળોએ
ગેરકાયદેસર રીતે ઘાસચારો વેચાણ કરી જાહેર વ્યવસ્થા ખોરવનાર સામે નિયમ મુજબ કડક
કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ એનીમલ ન્યુસન્સ કંટ્રોલ શાખા દ્વારા
જીવદયા અને ધાર્મિક ભાવના ધરાવતા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગાયોને ઘાસચારો
ખવડાવવાની ઇચ્છા ધરાવતા પશુ પ્રેમી સેવાભાવીઓ જાહેર માર્ગો પર પશુઓને ચારો આપવાને
બદલે સીધા માન્ય ગૌશાળાઓમાં ઘાસચારો અર્પણ કરે અથવા દાન આપે.
આ રીતે ગૌસેવાની
ભાવના પણ જળવાઈ રહેશે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા તથા જાહેર સુરક્ષા પણ જળવાઈ રહેશે. પોરબંદર મહાનગરપાલિકાએ
નાગરિકોને શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે
તંત્રને સહયોગ આપવા તેમજ જાહેર સ્થળોએ ગેરકાયદેસર ઘાસચારો વેચાણને પ્રોત્સાહન ન
આપવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya