
જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર નજીક બાયપાસ રોડ પર આવેલા કનસુમરા પાટિયા પાસે બે દિવસ અગાઉ સર્જાયેલા હિટ એન્ડ રન અકસ્માતના બનાવમાં આખરે ટ્રકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પંચકોશી 'બી' ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સોનલનગર સ્થિત ખોડિયાર કોલોનીમાં રહેતા ટપુ મંગાભાઈ પરબતભાઈ હરગાણીએ ફરિયાદ નોંધાવી છે. તેમના કાકા જીવણભાઈ પરબતભાઈ હરગાણી તા. 3 ઓગસ્ટની રાત્રે આશરે આઠ વાગ્યે પોતાની હોન્ડા ડ્રિમ-110 મોટરસાયકલ (જીજે-10-ડીસી-4265) પર કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન જામનગર બાયપાસ રોડ પર કનસુમરા પાટિયા પાસે પાછળથી આવેલા ટ્રક નં. જીજે-23-એટી-5808ના ચાલકે ટ્રક પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી તેમની મોટરસાયકલને ડાબી બાજુથી ટક્કર મારી હતી.
અકસ્માતમાં જીવણભાઈ રોડ પર પટકાતા ટ્રક નીચે ચગદાઈ જવાથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt