
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા ભયને લઈને કમલીવાડા સીટના તાલુકા પંચાયત ડેલીગેટ ફુલેશભાઈ દેસાઈએ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અલ્કેશ સોહેલને લેખિત રજૂઆત કરી હતી. બાળકોના સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા તેમણે માંગ કરી હતી.
રજૂઆતમાં ગામડાઓમાં મચ્છરો અને જીવાતોના ઉપદ્રવને રોકવા માટે નિયમિત ફોગિંગ, દવાઓનો છંટકાવ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો અને સરકારી હોસ્પિટલોમાં પૂરતો તબીબી સ્ટાફ તથા જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શાળાઓ, આંગણવાડીઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા તથા જીવાત નિયંત્રણની કામગીરી સુનિશ્ચિત કરવા અને તાવ, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી ઇમરજન્સી વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અલ્કેશ સોહેલે ફુલેશભાઈ દેસાઈનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ