
રાજપીપળા,06 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચિકાલી ગામે ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા ‘ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠી’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને કૃષિ ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ પોતાનું ઉત્પાદન વધારી આર્થિક રીતે સમૃદ્ધ બની શકે.
કૃષિ નિષ્ણાંતોએ બદલાતા હવામાન વચ્ચે પાક વ્યવસ્થાપન, કઠોળ પાકોમાં આત્મ નિર્ભરતા, ખાતર વ્યવસ્થાપનનાં સિદ્ધાંતો, પાકની ઉપજ વધારવા, જમીન ચકાસણી દ્રારા જમીનની તંદુરસ્તી વધારવા વિશે માહિતગાર કર્યા.
‘આત્મા’ પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓએ સરકારની વિવિધ સહાય યોજનાઓ, મિશ્ર પાક પધ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, રાસાયણિક ખાતરોથી થતા નુકશાન અંગે ચેતવીને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને વેલ્યુ એડિશન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે જ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત ઉષા વસાવાએ પણ પોતાના કૃષિ પ્રયોગો અને સફળતાની ગાથા અન્ય ખેડૂતો સાથે શેર કરી હતી.
ગોષ્ઠી દરમિયાન પ્રશ્નોત્તરી સત્રનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં ખેડૂતોએ યુરીયા અને ડીએપી ખાતરના વૈકલિપક ખાતરો અંગે; પાકમાં આવતા રોગ-જીવાત અને તેના નિયંત્રણ અંગે મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા.
ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નોના સ્થળ પર જ સરળ અને સચોટ ઉપાયો બતાવી ખેડૂતોનું યોગ્ય માર્ગદર્શન આપ્યું.
આ પ્રેરણાદાયી પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ.યુ.વ્યાસ; જવસિંહ બારીયા, આસી. ટેકનોલોજી મેનેજર- આત્મા પ્રોજેકટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સહિત અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈ-બહેનોએ આ વૈજ્ઞાનિક ગોષ્ઠી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ