


- તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે ખેડૂતોએ વીજ કંપનીની કચેરીએ લેખિત અરજી આપી
ભરૂચ, 06 ઓગસ્ટ (હિ.સ.) : નેત્રંગ તાલુકાના બોરખાડી અને ચંદ્રવાણ ગામના ખેડૂતોમાં આટખોલ એગ્રીકલ્ચર ફીડર વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પ્રતિનિધિઓએ વીજ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.
એગ્રીકલ્ચર ફીડરની વીજ લાઈનમાં વારંવાર ફોલ્ટ સર્જાય છે અને તેનું સમારકામ કરવામાં 4 થી 6 દિવસ જેટલો સમય લાગી જાય છે. આ કારણે સિંચાઈ સહિતની ખેતીની કામગીરી પર સીધી અસર પડી રહી છે.ખેડૂતોએ પોતે શ્રમદાન કરી ફોલ્ટ દૂર કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આશરે 40 જેટલા ખેડૂતોએ વીજ વિભાગના કર્મચારીઓની હાજરીમાં શ્રમદાન કરીને જાતે જ ફોલ્ટ દૂર કરવામાં મદદ કરી હતી, તેમ છતાં વીજ પુરવઠો નિયમિત થયો નથી.
રોજિંદા જીવન પર ગંભીર અસરો પડી રહી છે.ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો અને વાડીઓમાં રહેતા પરિવારોને સિંગલ ફેઝ વીજળીના અભાવે પીવાના પાણીની સમસ્યા, બીમાર પશુઓની સંભાળ તેમજ બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જંગલી જાનવરોનો ભય રહે છે. નેત્રંગ વિસ્તારમાં દીપડા અને અન્ય સરીસૃપોના ભય વચ્ચે અંધારામાં રહેવું અત્યંત જોખમી બનતું હોવાનું ખેડૂતોનું કહેવું છે.
ખેડૂતોએ સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ ખેતરમાં વસવાટ કરતા પરિવારોને વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે જ વીજ પુરવઠો નિયમિત બનાવવા વીજ વિભાગ તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી કરે તેવી પણ સ્પષ્ટ માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ