
ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા તેમજ સોશિયલ મીડિયા સુરક્ષાના મુદ્દે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફને હાલના સમયમાં વધી રહેલા ઓનલાઈન ગુનાઓ, ડિજિટલ છેતરપિંડી અને સોશિયલ મીડિયા પર થતી વિવિધ પ્રકારની ઠગાઈથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
માર્ગદર્શન દરમિયાન સાયબર નિષ્ણાતોએ ફિશિંગ લિંક્સ, નકલી વેબસાઇટ્સ, OTP ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, QR કોડ સ્કેમ, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકિંગ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી જેવા ગુનાઓ અંગે ઉદાહરણો સાથે સમજણ આપી હતી. ઉપરાંત, મજબૂત પાસવર્ડનો ઉપયોગ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્રિય રાખવું, અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવામાં સાવચેતી રાખવી તેમજ વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર જાહેર ન કરવાની અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો અને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે જરૂરી તકેદારી અંગે ઉપયોગી માહિતી મેળવી. કોલેજ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો સમયાંતરે યોજી વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા પ્રત્યે વધુ સજાગતા લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA