
જૂનાગઢ, 06 ઓગસ્ટ (હિ.સ.) : નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ મંગળવારના બપોરે ૩.૩૦ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે. તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે દરેક તાલુકા તેમજ ગ્રામ્ય મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે, જેમાં સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
નાગરિકો તેમના પ્રશ્નો જે-તે ગામના તલાટીને દર મહિનાની તા.૧૦ તારીખ સુધીમાં રજૂ કરી શકશે. જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી અને તાલુકા તથા ગ્રામ કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ જે-તે તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને સીધા પણ રજૂ કરી શકશે.
નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી દર માસની તા.૧૦ તારીખ સુધીમાં કરવી. નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકાકક્ષાએ થતો હોય તે અરજી તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. તાલુકાકક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆતો કરી શકાશે નહી. અરજદારે HTTP://SWAGAT.GUJARAT.GOV.IN/CITIZEN_ENTRY_DS.ASPX?FRM=WS પર ઓનલાઇન અરજી કરવી, તેમ જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટરે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ