
જૂનાગઢ, 06 ઓગસ્ટ (હિ.સ.) : નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ, જૂનાગઢ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણીના ભાગરૂપે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલા કર્મયોગી દિવસના નિમિતે મહિલા કર્મચારીઓને શુભેચ્છા પાઠવી પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રાએ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંગે વિગતે સમજૂતી આપી હતી. ત્યાર બાદ શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ફિલ્ડ ઓફિસર કે.ડી. ચેતરિયાએ કેન્દ્ર સરકારના SHe-Box Portal અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તન્વીબેન ત્રિવેદી, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, સંશોધન અધિકારી ઇલાબેન જોષી, દહેજ પ્રતિબંધક સહ-સંરક્ષણ અધિકારી બી.ડી. ભાડ, ફિલ્ડ ઓફિસર કે.ડી. ચેતરિયા, જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન (DHEW) તથા વન સ્ટોપ સેન્ટર (OSC)ની ટીમ સહિત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ દ્રારા આભાર વિધિ કરી હતી આમ સમગ્ર મહિલા અને બાળ વિભાગની ટીમ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એમ જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ