



કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પૂર્વ કચ્છ પોલીસે વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. ડ્રગ્સની હેરાફેરી અને વેચાણથી કમાયેલી ગેરકાયદે આવકમાંથી ખરીદવામાં આવેલી અંદાજે રૂ. 22.31 લાખની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવાનો આદેશ મુંબઈ સ્થિત કમ્પિટન્ટ ઓથોરિટી SAFEMA/NDPSA દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસના કડક અભિયાન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતની કોઈપણ પોલીસ યુનિટ દ્વારા કરવામાં આવેલી પ્રથમ પ્રકારની કાર્યવાહી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યુવાધનને નશાના દૂષણથી બચાવવા તેમજ ડ્રગ્સના ગેરકાયદે ધંધાથી ઉભા થતા આર્થિક સામ્રાજ્યને તોડી પાડવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આરોપીની મિલકતો અંગે વિસ્તૃત તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS કેસમાં સંડોવાયેલા આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ અને તેના પરિવારના સભ્યોના નામે નોંધાયેલી મિલકતોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં વર્ષામેડી ગામે આવેલ રહેણાંક મકાન ઉપરાંત રેનો ટ્રાઈબર કાર, હીરો ડેસ્ટિની મોટરસાયકલ અને હોન્ડા એક્ટિવા સ્કૂટર સહિતની મિલકતો ગેરકાયદે આવકમાંથી ખરીદવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
આ તમામ વિગતોના આધારે NDPS એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ મિલકતો જપ્ત કરવાની દરખાસ્ત જાન્યુઆરી 2026માં મુંબઈ સ્થિત કમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ મોકલવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન આરોપીને પોતાની મિલકત કાયદેસરની આવકમાંથી ખરીદાયેલી હોવાનું સાબિત કરવાની પૂરતી તક આપવામાં આવી હતી, પરંતુ તે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પરિણામે ઓથોરિટીએ પૂર્વ કચ્છ પોલીસની રજૂઆતને માન્ય રાખીને 3 ઓગસ્ટ, 2026ના રોજ તમામ દર્શાવેલી સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવાનો હુકમ કર્યો હતો.
પિન્ટુ યાદવ સામે અગાઉ પણ NDPS એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેના વિરુદ્ધ PIT-NDPS હેઠળ અટકાયતી કાર્યવાહી પણ કરવામાં આવી ચૂકી છે. પોલીસનું માનવું છે કે ડ્રગ્સના વેપારથી કમાયેલી ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવાની આવી કાર્યવાહી ભવિષ્યમાં નશાના ગેરકાયદે નેટવર્ક સામે અસરકારક હથિયાર સાબિત થશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો માટે કડક ચેતવણીરૂપ સંદેશ આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar