

કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : મુંદરા તાલુકાના કુકડસર ગામે આવેલ દરગાહ અને મદ્રેસાના બાંધકામ સામે મામલતદાર કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન કાર્યવાહી અને પાંચ દિવસમાં દબાણ દૂર કરવાના આદેશ સામે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપીને રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કાયદાકીય અપીલ કરવા માટે મળતા નિર્ધારિત સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ડિમોલેશનની કાર્યવાહી કરી શકાશે નહીં.
મુંદરા તાલુકાના કુકડસર ગામના સરકારી ટ્રાવર્સ સર્વે નંબર ૨૧૧ પૈકીની જમીનમાં આવેલ આશરે ૧૫૫ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા પાકા દરગાહ બાંધકામ તેમજ ૧૭૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી 'મદ્રાસા ફૈઝાને મહેમ્મુદી'ના બાંધકામને મામલતદાર મુંદરા દ્વારા સરકારી જમીન પરનું અનધિકૃત દબાણ ગણાવવામાં આવ્યું હતું. મામલતદાર કે. એસ. ગોંદિયાની કોર્ટમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ આ કેસ ચલાવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન વહીવટકર્તા માંજલિયા આમદ જુણસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ મિલકતોની ગ્રામપંચાયતના રેકર્ડ પર સત્તાવાર નોંધ છે તેમજ તે વકફ મિલકત છે. આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ટાંકીને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અનુસરવા અને પૂરતી સુનાવણી આપવા વિનંતી કરવામાં આવી હતી. જોકે, મામલતદાર મુંદરા દ્વારા ૨૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ આદેશ ગુજારીને પાંચ દિવસની અંદર આ બંને અનધિકૃત ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે ખુલ્લા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
મામલતદારના આ પાંચ દિવસમાં ડિમોલેશન કરવાના હુકમ સામે ભદ્રેશ્વર ગામના અરજદારો ભદ્રેશ્વરના માજી સરપંચ ઉમર કુંભાર, માજી ઉપસરપંચ હુસેન કારા અને હાજી અયુબભાઈ માંજલીયા દ્વારા વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં રજૂઆત કરતાં વકીલે દલીલ કરી હતી કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ મામલતદારના આદેશ સામે ઉપલી સત્તા સમક્ષ અપીલ કરવા માટે કાયદાકીય રીતે ૯૦ દિવસની સમયમર્યાદા આપવામાં આવે છે. પરંતુ મામલતદારે માત્ર પાંચ દિવસમાં ડિમોલેશન કરવાનો આદેશ આપી અરજદારોના અપીલ કરવાના કાયદાકીય અધિકાર પર તરાપ મારી છે.
જસ્ટિસ અનિરૂદ્ધ પી. મયીની અદાલતે આ મામલે સુનાવણી હાથ ધરીને નોંધ્યું હતું કે અરજદારોને અપીલ કરવાનો કાયદાકીય અધિકાર છે અને માત્ર પાંચ દિવસની મુહલત આપવી તે કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી. હાઈકોર્ટે સરકારી સત્તાધીશોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કાયદા મુજબ અપીલ કરવાની સમયમર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી મામલતદારના હુકમ અન્વયે આગળની કોઈ પણ ડિમોલેશન કે આકરા પગલાંની કાર્યવાહી કરી શકાશે નહીં. અપીલનો સમયગાળો પૂર્ણ થયા બાદ અથવા સક્ષમ અદાલત કે અધિકારી દ્વારા કોઈ મનાઈહુકમ ન હોય તેવા સંજોગોમાં જ કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે. ગુજરાત હાઈકોર્ટના આદેશથી કુકડસર દરગાહ અને મદ્રેસાના સંચાલકોને કાયદાકીય અપીલ કરવા માટે પૂરતો સમય અને રાહત મળ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar