મુંદરા પોલીસનો ડ્રગ્સ સામે વધુ એક પ્રહાર: ૮૧૭ ગ્રામ ગાંજા સાથે પશ્ચિમ બંગાળનો શખ્સ ઝડપાયો
કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનને વધુ એક સફળતા ત્યારે મળી જ્યારે મુંદરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને ૮૧૭ ગ્રામ ગા
મુન્દ્રા NDPS કેસનો આરોપી


કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનને વધુ એક સફળતા ત્યારે મળી જ્યારે મુંદરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને ૮૧૭ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખી રહ્યો હતો. આ દરમિયાન મળેલી વિશ્વસનીય માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન એક શખ્સ પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ અંદાજે ૮૧૭ ગ્રામ ગાંજો મળી આવતા તેને સ્થળ પરથી જ કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીની ઓળખ સુબત્રા અમલ બિસ્વાસ (ઉંમર ૩૩) તરીકે થઈ છે. તે મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના ચંડીતલા, કાંઉગાંચી શ્યામનગર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલમાં તે મુંદરા તાલુકાના ધૂબ ગામ નજીક દેસર કોલોની વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ વ્યક્તિગત સેવન માટે હતો કે પછી વેચાણના હેતુથી રાખવામાં આવ્યો હતો તે સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના દુષણને રોકવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી ઝુંબેશ સતત અસરકારક બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ગાંજો, ચરસ અને અન્ય માદક પદાર્થો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંદરા પોલીસની આ સફળ કામગીરીથી નશાના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચિંતા ફેલાઈ છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી અથવા વેચાણ અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande