રાપરમાં મહિલા સ્વરોજગાર મેળો: આત્મનિર્ભરતાની દિશામાં મહિલાઓને મળ્યો નવો ઉત્સાહ
કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : રાપર શહેરમાં મહિલાઓને સ્વરોજગાર અને સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે સીધા જોડવાના હેતુથી આયોજિત મહિલા સ્વરોજગાર મેળો ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કચ્છ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના માર્ગદર્શન હેઠળ
રાપરમાં મહિલા સ્વરોજગાર મેળો


રાપરમાં મહિલા સ્વરોજગાર મેળો


રાપરમાં મહિલા સ્વરોજગાર મેળો


કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : રાપર શહેરમાં મહિલાઓને સ્વરોજગાર અને સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે સીધા જોડવાના હેતુથી આયોજિત મહિલા સ્વરોજગાર મેળો ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કચ્છ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ રોજગાર, કૌશલ્ય વિકાસ અને સ્વાવલંબન અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.

કાર્યક્રમમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે વક્તાઓએ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. મહિલાઓ માત્ર પરિવાર પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સ્વરોજગાર અપનાવી સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે તે માટે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ સરકારી સહાય, તાલીમ અને નાણાકીય યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરી આત્મનિર્ભર બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મેળા દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને આરએસઈટીઆઈ દ્વારા સીવણ, ફેશન ડિઝાઇનિંગ, બ્યુટી પાર્લર, ગૃહઉદ્યોગ તેમજ નાના વ્યવસાય શરૂ કરવા માટે ઉપલબ્ધ તાલીમ અને સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓની સુરક્ષા, કાનૂની સહાય અને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઘરઆધારિત વ્યવસાયોની પ્રદર્શનાત્મક માહિતી પણ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભરતગુથણ, દોરીવર્ક, બાંધણી સહિતના હસ્તકલા આધારિત રોજગાર વિકલ્પો મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ સ્ટોલ પર મહિલાઓએ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સંપર્ક વિગતો પણ મેળવી હતી.

મેળા દરમિયાન 0 થી 6 મહિનાની બાળકીના પરિવારોને ‘દીકરી વધામણા કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘વ્હાલી દીકરી યોજના’ અને ‘ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના’ના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. ધોરણ 9 થી 12 માં પ્રથમ ક્રમે સફળતા મેળવનાર દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સહયોગી સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી શક્ય બન્યું હતું. મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવા, સ્વરોજગારને પ્રોત્સાહન આપવા અને સરકારી યોજનાઓનો વ્યાપ વધારવાના હેતુથી યોજાયેલો આ મેળો રાપર વિસ્તારમાં મહિલા સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande