
મહેસાણા, 06 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામના 30 વર્ષીય રાહુલસિંહ ચાવડાએ પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતીને જોડીને વર્મી કમ્પોસ્ટનું સફળ ઉત્પાદન શરૂ કર્યું છે. ખેતી અને પશુપાલન દરમિયાન ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને તેમણે વર્મી કમ્પોસ્ટ, જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાનું શરૂ કર્યું, જે આજે તેમની વધારાની આવકનું મહત્વનું સાધન બન્યું છે.
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર (DSC) અને આત્મા (ATMA) યોજનાના માર્ગદર્શન તથા આશરે ₹60 હજારની સબસિડીની મદદથી રાહુલસિંહે ઉત્પાદનને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. અત્યાર સુધીમાં તેઓ અંદાજે 6 ટન વર્મી કમ્પોસ્ટ અને ઘન જીવામૃતનું વેચાણ કરી ચૂક્યા છે. તેમના ઉત્પાદનો મહેસાણા જિલ્લાના 51 જેટલા ગામોના ખેડૂતો સુધી પહોંચ્યા છે. છેલ્લા છ મહિનામાં જ તેમણે અંદાજે ₹42 હજારનું વર્મી કમ્પોસ્ટ વેચાણ કર્યું છે.
રાહુલસિંહના જણાવ્યા મુજબ વર્મી કમ્પોસ્ટના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે, રાસાયણિક ખાતરો પરનો ખર્ચ ઘટે છે અને જમીન વધુ પોચી બને છે. તેઓ વર્મી કમ્પોસ્ટ બનાવતી વખતે યોગ્ય અળસિયાની જાત પસંદ કરવા તેમજ ઠંડું કરેલા છાણનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે. રાહુલસિંહની સફળતા દર્શાવે છે કે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી આધારિત વ્યવસાય શરૂ કરીને સારી વધારાની આવક મેળવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR