
મહેસાણા, 06 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકામાં ગુરુવારે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ વિકાસલક્ષી દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ મળી રહે તે માટે વિવિધ મુદ્દાઓ પર સભ્યોએ વિચાર-વિમર્શ કર્યો હતો.
બેઠક દરમિયાન શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા, માર્ગોના વિકાસ, વરસાદી પાણીના અસરકારક નિકાલ, જાહેર સુવિધાઓના સુધારણા તેમજ સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્પોર્ટ્સ અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, રીડિંગ ઝોનની સુવિધા સહિત અન્ય નાગરિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના પ્રતિનિધિઓએ શહેરના આયોજિત વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવા પર ભાર મૂક્યો હતો. શહેરને વધુ સુવિધાસભર, સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિકાસના કાર્યોને ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR