
મહેસાણા, 06 ઓગસ્ટ (હિ.સ.) : નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહેસાણાના દેદીયાસણ GIDC સ્થિત જય યુશીન લિમિટેડ કંપનીમાં મહિલા સુરક્ષા અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ ભાગ લઈને પોતાના કાનૂની અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
કાર્યક્રમ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક પુષ્પાબેન ચૌહાણે મહિલાઓને મળતી કાનૂની, તબીબી, પોલીસ સહાય તેમજ આશ્રય સેવાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ફિલ્ડ ઓફિસર રજનીશભાઈ પટેલે વ્હાલી દીકરી યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, પુનઃલગ્ન સહાય અને મહિલા સ્વાવલંબન જેવી યોજનાઓની પાત્રતા અને અરજી પ્રક્રિયા સમજાવી હતી.
દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલે દહેજ પ્રતિબંધક કાયદા અને ઘરેલુ હિંસા સામેના કાનૂની રક્ષણ અંગે માહિતી આપી હતી. જ્યારે એડવોકેટ ચંદ્રકાંતભાઈએ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ કાયદો, આંતરિક ફરિયાદ સમિતિની કામગીરી અને પીડિત મહિલાની ગોપનીયતા જાળવવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં બાળ સંરક્ષણ આયોગના ડાયરેક્ટર વર્ષાબેન પટેલે મહિલાઓને અન્યાય સામે નિર્ભય બની અવાજ ઉઠાવવાનો સંદેશ આપ્યો હતો. અંતે 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન અંતર્ગત દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR