



પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સર્વે સંતુ નિરામયા'ના સંકલ્પ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર
દ્વારા આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક જનકલ્યાણકારી
યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)
એ આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે, જેના માધ્યમથી જન્મજાત અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોને
સમયસર નિદાન, નિઃશુલ્ક સારવાર અને જરૂરી સર્જરીની
સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પોરબંદરના એક શ્રમિક પરિવારના બાળકને આ યોજના
હેઠળ મળેલું નવજીવન તેની જીવંત સાબિતી છે.
પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં
રહેતા અને ભંગારનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિરમભાઈ લવિંગભાઈ પરમારના
પરિવાર પર નવજાત બાળકની અચાનક બગડેલી તબિયતને કારણે ચિંતાના વાદળો છવાયા હતા.
તેમના નવજાત બાળકને પેટ સંબંધિત ગંભીર તકલીફ હોવાથી તે ધાવણ લીધા બાદ તુરંત જ ઉલટી
કરી દેતી હતી. જેના કારણે બાળકનું વજન સતત ઘટી રહ્યું હતું અને તેની શારીરિક
સ્થિતિ અત્યંત નબળી પડી ગઈ હતી. આર્થિક રીતે નબળા એવા આ પરિવાર માટે ખાનગી
હોસ્પિટલમાં મોંઘી સારવાર કરાવવી અશક્ય સમાન હતી.
આ મુશ્કેલ સ્થિતિમાં રાષ્ટ્રીય બાળ
સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની ટીમે ઉમદા કામગીરી દર્શાવી હતી. ગૃહ
મુલાકાત (હોમ વિઝિટ) દરમિયાન આર.બી.એસ.કે.ના મેડિકલ ઓફિસર ડૉ. રશ્મી રંગવાણી અને
તેમની ટીમના ધ્યાન પર આ બાળકની ગંભીર સ્થિતિ આવી હતી. બાળકની પ્રાથમિક તપાસ બાદ
તેને તુરંત પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું. ત્યાંથી
વધુ ગહન તપાસ અર્થે બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ભલામણ કરવામાં
આવી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી તપાસ
દરમિયાન માલૂમ પડ્યું હતું કે બાળકને ‘પાયલોરિક સ્ટેનોસિસ’ (Pyloric
Stenosis) નામની બીમારી હતી, જેમાં જઠર અને અન્નનળીને જોડતો ભાગ અત્યંત સાંકડો થઈ જાય છે. આ
કારણસર બાળક જે પણ ખોરાક કે દૂધ લેતું તે પેટમાં ટકી શકતું નહોતું.
આ તબક્કે પોરબંદર આરોગ્ય વિભાગના
સી.ડી.એચ.ઓ. અને ટી.એચ.ઓ.ના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે. ટીમ દ્વારા પરિવારનું
યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પરિવારને સરકારી યોજના હેઠળ વિનામૂલ્યે
ઓપરેશન થવા અંગે માહિતગાર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.રાજકોટ સિવિલ
હોસ્પિટલ ખાતે બાળકની મફત અને સફળ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન બાદ આશરે 10 દિવસ સુધી બાળકને હોસ્પિટલમાં રાખીને સારવાર
આપવામાં આવી હતી.
સફળ ઓપરેશન અને યોગ્ય તબીબી સંભાળ બાદ
બાળક હવે સંપૂર્ણપણે તંદુરસ્ત છે. તે હવે સરળતાથી ધાવણ લઈ શકે છે અને તેના વજનમાં
પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.વિરમભાઈ પરમારે પણ આ અંગે સંતોષ વ્યક્ત કરતા
જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલનો લાખો રૂપિયાનો ખર્ચ પોષાય તેમ નહોતો, પરંતુ સરકારી હોસ્પિટલમાં મફત સારવાર અને રહેવા-જમવાની ઉત્તમ સુવિધા
મળવાથી તેમના બાળકનો જીવ બચી શક્યો છે.
લાભાર્થીના સમગ્ર પરિવારે આરોગ્ય વિભાગ
તથા રાજ્ય સરકારની આર.બી.એસ.કે. યોજના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya