
અમરેલી, 06 ઓગસ્ટ (હિ.સ.)
ધારી તાલુકામાં આવેલા ખોડીયાર ડેમ નજીક એકસાથે નવ સિંહો લટાર મારતા જોવા મળતાં આ વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. વહેલી સવારે ડેમ નજીકના માર્ગ પર સિંહોના ટોળાએ નિરાંતે અવરજવર કરતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. ઘટનાની જાણ થતાં અનેક લોકોએ દૂરથી સિંહોના વીડિયો અને તસવીરો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગીર અને આસપાસના જંગલ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય બાબત છે. વરસાદી મોસમ દરમિયાન પાણી અને શિકારની શોધમાં સિંહો અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ખોડીયાર ડેમ આસપાસનો વિસ્તાર જંગલને અડીને હોવાથી અહીં સિંહોની હાજરી અવારનવાર નોંધાય છે.
વન વિભાગે લોકોને સિંહોની નજીક જવાનો પ્રયાસ ન કરવા, વાહનમાંથી નીચે ન ઉતરવા તેમજ સિંહોને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવાની અપીલ કરી છે. સાથે જ વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
એકસાથે નવ સિંહો જોવા મળવાની ઘટનાએ વન્યજીવપ્રેમીઓમાં ઉત્સાહ જગાવ્યો છે, જ્યારે સ્થાનિક લોકો માટે આ દૃશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai