
ભાવનગર,06 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં એમ.ઈ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને સુરેન્દ્રનગર જિલ્લાના વતની પાર્થ અમૃતભાઈ મોરડીયાને રાષ્ટ્રપતિ ભવન તરફથી ગૌરવપૂર્ણ આમંત્રણ મળ્યું છે. આગામી 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર પ્રતિષ્ઠિત At Home Reception કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દેશના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને પ્રતિભાશાળી વ્યક્તિઓને જ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે. તેથી પાર્થને મળેલું આ સન્માન માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમના પરિવાર, શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.
પાર્થ મોરડીયાએ અભ્યાસની સાથે યુવા નેતૃત્વ, વકૃત્વ, યુથ પાર્લામેન્ટ તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં 50થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાંથી 40થી વધુ સ્પર્ધાઓમાં વિજેતા બની પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
આ અંગે પાર્થ મોરડીયાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાંથી આમંત્રણ મળવું તેમના જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંની એક છે. તેમણે કહ્યું કે આ સન્માન માત્ર તેમનું નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત દરેક યુવાનનું સન્માન છે. આમંત્રણ મળ્યા બાદ તેમને 500થી વધુ અભિનંદન સંદેશા અને 50થી વધુ ફોન કોલ મળ્યા હતા. તેમણે ઉમેર્યું કે સતત મહેનત, સમયનું યોગ્ય આયોજન અને પડકારો સામે અડગ રહીને જ આ સિદ્ધિ હાંસલ કરી શકાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA