
ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : વિશ્વ સિંહ દિવસ (10 ઓગસ્ટ)ની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભાવનગરમાં વન વિભાગ દ્વારા આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિંહ સંરક્ષણ, માનવ-સિંહ સહઅસ્તિત્વ અને જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાવનગરના સહાયક વન સંરક્ષક બિમલ ભટ્ટે જણાવ્યું હતું કે સિંહ અને માનવ વચ્ચે સર્જાતી આકસ્મિક ઘટનાઓમાં સંવેદના અને સમજણ અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોમાં સિંહ અંગેની ગેરસમજો દૂર કરીને યોગ્ય સાવચેતી અને જાગૃતિ ફેલાવવી સમયની જરૂરિયાત છે. તેમણે 'સિંહ દિવસ'ની ઉજવણીમાં વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના સહભાગથી વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવાની માહિતી આપી હતી.
'સિંહ દિવસ'ના જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુરે કાર્યક્રમના તબક્કાવાર આયોજન અંગે માહિતી આપી હતી અને વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન પર ભાર મૂક્યો હતો. બોટાદના સહાયક વન સંરક્ષક અનિલભાઈ રાઠવા સહિત અધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ બેઠકમાં જોડાયા હતા.
બેઠક દરમિયાન ભાવનગર, મહુવા, સિહોર, પાલિતાણા, જેસર અને વલભીપુર વન કચેરીઓમાં યોજાનારા જાગૃતિ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. શાળાઓ, સરકારી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓને પણ આ અભિયાન સાથે જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના પ્રારંભે ભરત ગલાણીએ સ્વાગત અને સંચાલન કર્યું હતું.
આ આયોજનમાં રાજુભાઈ પરમાર, સામતભાઈ ભમ્મર, પાયલબેન જોષી, નીલમબેન ગોલેતર અને વિક્રમભાઈ ચૌહાણ સહિત વન વિભાગના અધિકારીઓ અને કાર્યકર્તાઓએ સંકલન કરી સફળ આયોજન માટે તૈયારી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA