પાટણમાં ખાદ્ય તેલના પેકિંગ એકમો પર દરોડા, ₹16.14 લાખનો જથ્થો જપ્ત
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય તેલના પેકિંગ એકમો પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. જૂના 15 કિલોગ્રામના ટીનમાં ખાદ્ય તેલનું પુનઃપેકિંગ કરતી બે પેઢીઓ સામે કાર્યવાહી કરીને કુલ ₹16.14 લાખનો ખાદ્ય તેલનો જથ્થ
પાટણમાં ખાદ્ય તેલના પેકિંગ એકમો પર દરોડા, ₹16.14 લાખનો જથ્થો જપ્ત


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય તેલના પેકિંગ એકમો પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. જૂના 15 કિલોગ્રામના ટીનમાં ખાદ્ય તેલનું પુનઃપેકિંગ કરતી બે પેઢીઓ સામે કાર્યવાહી કરીને કુલ ₹16.14 લાખનો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રથમ કાર્યવાહી રાજપુર સીમ વિસ્તારમાં આવેલી N A Oil Industries ખાતે કરવામાં આવી હતી. અહીંથી રિફાઇન સોયાબીન અને મસ્ટર્ડ ઓઇલ સહિત કુલ 7,333 કિલોગ્રામ ખાદ્ય તેલ, અંદાજે ₹12.01 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 2 નમૂના લેવામાં આવ્યા અને 145 જૂના ખાલી ટીન નષ્ટ કરાયા હતા.

બીજી કાર્યવાહી નવો ગંજ સામે આવેલી Pareva Trading Company ખાતે કરવામાં આવી હતી. અહીંથી વિવિધ પ્રકારના ખાદ્ય તેલનો અંદાજે ₹4.12 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 3 નમૂના લેવામાં આવ્યા અને 288 જૂના ખાલી ટીન સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા હતા.

બંને સ્થળોએ કુલ 5 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ મળ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તપાસ દરમિયાન બંને એકમોમાં અગાઉ વપરાયેલા 15 કિલોગ્રામના ટીનમાં ખાદ્ય તેલનું પુનઃપેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન હોવાનું તંત્રે જણાવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 433 જૂના ખાલી ટીન સ્થળ પર જ સ્ક્રેપ કરીને નષ્ટ કરવામાં આવ્યા હતા, જેથી તેનો ફરીથી ઉપયોગ ન થઈ શકે અને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ પ્રકારનું જોખમ ઊભું ન થાય.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande