
- ભરતીમેળો દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા 100 થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી
- કિશોરીઓ તથા યુવતીઓને રોજગારલક્ષી અને મહિલાલક્ષી યોજનાઓ, શિક્ષણનું મહત્વ, કૌશલ્ય વિકાસ તથા સ્વાવલંબન માટેની વિવિધ તકો અંગે માર્ગદર્શન અપાયું
રાજપીપલા,06 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નાંદોદ તાલુકાના રાજપીપળા સ્થિત શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે, મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મહિલાઓ અને યુવતીઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલા ભરતીમેળામાં એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ક્રેડિટએક્સેસ ગ્રામીણ કોટા ફાઈનાન્સ, અતુલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ સેન્ટર, યુકોહામા ટાયર્સ લિ. તથા એમઆરએફ ટાયર્સ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓ દ્વારા ૧૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓ તથા યુવતીઓને રોજગારલક્ષી અને મહિલાલક્ષી યોજનાઓ, શિક્ષણનું મહત્વ, કૌશલ્ય વિકાસ તથા સ્વાવલંબન માટેની વિવિધ તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધી, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્રતિનિધિ સહિતનો સ્ટાફ, બરોડા સ્વરોજગાર સંસ્થાનના ફેકલ્ટી સુપરવાઈઝર સુનિલ તડવી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર પ્રણય એરડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહિલાઓને રોજગારની તકો સાથે જોડવા અને તેમને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે યોજાયેલ આ ભરતીમેળો યુવતીઓ માટે રોજગારની દિશામાં મહત્વપૂર્ણ બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ