

વડોદરા , 06 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સયાજીગંજ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. પોલીસની ટીમે વિસ્તારમાં આવેલા વિવિધ *'હિડન કાફે'*માં અચાનક તપાસ કરી નિયમોના પાલનની ચકાસણી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે કાફેમાં બનાવવામાં આવેલી સિટિંગ વ્યવસ્થા, પ્રાઈવેટ કેબિન તેમજ અન્ય સેટઅપનું નિરીક્ષણ કર્યું હતું, જેથી કોઈ ગેરકાયદેસર અથવા નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિઓ ચાલી રહી નથી તેની ખાતરી કરી શકાય.
આ ઉપરાંત કાફે સંચાલકો પાસે માન્ય ભાડા કરાર (Rent Agreement), પોલીસ વેરિફિકેશન, જરૂરી લાઈસન્સ તેમજ અન્ય કાયદેસર દસ્તાવેજો ઉપલબ્ધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાફેમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા કાર્યરત છે કે નહીં અને તેનું રેકોર્ડિંગ નિયમ મુજબ જાળવવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ફતેગંજ વિસ્તારમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને અનેક હોસ્ટેલો આવેલા હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોની અવરજવર રહે છે. આથી વિસ્તારમાં સુરક્ષા અને નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સમયાંતરે આવા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે છે.
પોલીસની આ સરપ્રાઈઝ કાર્યવાહીથી નિયમભંગ કરતા કાફે સંચાલકોમાં ચકચાર મચી હતી, જ્યારે સ્થાનિક રહિશો અને વાલીઓએ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે હાથ ધરાયેલી આ કામગીરીને આવકારી હતી. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં નિયમોના ભંગ સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ