
નવસારી, 06 ઓગસ્ટ (હિ.સ.) : કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તેમજ નવસારી જિલ્લાના દરેક ગામ અને શહેરી વોર્ડમાં સ્કીમ સેચ્યુરેશન સુનિશ્ચિત થાય તે માટે નવસારી જિલ્લામાં ‘સ્કીમ સેચ્યુરેશન’ અભિયાનનો પ્રારંભ કલેકટર મનીષ ગુરવાનીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરની આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
રાજ્ય સરકારના લોકકેન્દ્રિત અને પરિણામલક્ષી સુશાસનના અભિગમને વધુ અસરકારક બનાવવા નવસારી જિલ્લામાં મહત્વની પહેલ હાથ ધરવામાં આવી છે. સરકારના વિવધ વિભાગોની કામગીરીનું એક જ પ્લેટફોર્મ પર અસરકારક અમલીકરણ અને સતત મોનીટરિંગ થાય તે માટે જિલ્લાના ગામો અને શહેરી વોર્ડ માટે લાયઝન અધિકારીઓ તેમજ તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ સમગ્ર અભિયાનના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કક્ષાએથી તાલુકા, નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં કામગીરીના મોનીટરિંગ અને સંકલન માટે વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના કુલ 119 અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે . ઉપરાંત, આ કામગીરી પર જિલ્લા સ્તરે અસરકારક સુપરવિઝન, માર્ગદર્શન અને સમયાંતરે સમીક્ષા થાય તે માટે વર્ગ-1 કક્ષાના વધુ 9 વરિષ્ઠ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ માળખા દ્વારા જિલ્લાના દરેક ગામ અને શહેરી વોર્ડ સુધી સરકારી યોજનાઓ અને પ્રાથમિક સેવાઓનું પરિણામલક્ષી અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે.
સાથે જિલ્લાના મહાનગરપાલિકા અને તાલુકા વિસ્તારમાં ક્લસ્ટર પ્રમાણે કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ જેવી કે વાજપાઈ બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, પાલક માતા પિતા યોજના, ADIP યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વામિત્વ યોજના જેવો કેન્દ્ર અને રાજ્ય સરકારની 45 થી વધુ જન કલ્યાણકારી યોજનાનો લાભ કેમ્પ દ્વારા નાગરિકોને આપવા આવશે.
આ વ્યવસ્થા હેઠળ અધિકારીઓ પોતાના નિયમિત કાર્યો ઉપરાંત ફાળવાયેલા ગામો અને વોર્ડમાં દર અઠવાડિયે બે દિવસ ફિલ્ડ મુલાકાત લઈ ચાર અતિ મહત્વના વિષયો સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને આઈસીડીએસ (કુપોષણ નિવારણ) ની કામગીરી મિશન મોડમાં આગળ વધારશે. તાલુકા અને શહેરી કક્ષાના નોડલ અધિકારીઓ સમગ્ર કામગીરીનું સતત અનુસરણ કરશે, જ્યારે દર અઠવાડિયે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષતામાં તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે.
સ્વચ્છતા અભિયાન હેઠળ ગામો અને વોર્ડમાં સ્વચ્છતા કેલેન્ડર મુજબ નિયમિત સફાઈ, GPS આધારિત Before-During-After ફોટોગ્રાફ્સનું દસ્તાવેજીકરણ, કચરાના વૈજ્ઞાનિક નિકાલ, પીવાના પાણીના ક્લોરીનેશન, દવાનો છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરીની ચકાસણી કરવામાં આવશે . અધિકારીઓ સ્થાનિક સ્તરે સંકલન સાધી વિસ્તાર દેખીતી રીતે સ્વચ્છ રહે તે માટે જરૂરી પગલાં સુનિશ્ચિત કરશે.
શિક્ષણ ક્ષેત્રે નવસારી જિલ્લામાં શાળા છોડનારા 1618 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નિયુક્ત અધિકારીઓ વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે, શિક્ષણનું મહત્વ સમજાવશે અને તેમની સંમતિથી બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવશે. જિલ્લાને ડ્રોપઆઉટમુક્ત બનાવવાના લક્ષ્ય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા 719 વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી (VHRP) ધરાવતી સગર્ભા મહિલાઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે તે માટે અધિકારીઓ ફિલ્ડ મુલાકાત દરમિયાન નિર્ધારિત ચેકલિસ્ટ મુજબ દેખરેખ રાખશે. જ્યાં કોઈ ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી કરીને માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવશે.
આઈસીડીએસ હેઠળ જિલ્લાના 748 અતિ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે વિશેષ મિશન હાથ ધરાયું છે. અધિકારીઓ બાળકો અને તેમના પરિવારની નિયમિત મુલાકાત લઈ પોષણયુક્ત આહાર, આરોગ્ય સેવાઓ, માસિક તબીબી ચકાસણી, વજન-ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન, આંગણવાડી સેવાઓ, THR વિતરણ, માતાઓને સ્તનપાન અને પોષણ અંગે માર્ગદર્શન સહિતની કામગીરીની સતત સમીક્ષા કરશે.
આ સમગ્ર અભિયાન માટે અલગ રિપોર્ટિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેમાં દરેક અધિકારી દ્વારા સમયસર માહિતી અપલોડ કરવામાં આવશે. અધિકારીઓની બદલીના કિસ્સામાં પણ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે સંબંધિત કચેરીના જવાબદાર અધિકારી અથવા કર્મચારીને જવાબદારી સોંપવામાં આવશે.
નવસારી જિલ્લામાં આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર ચાર મહત્વના વિષયો સુધી મર્યાદિત નથી, પરંતુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની 45 થી વધુ જનકલ્યાણકારી યોજનાઓનું ટોટલ સેચ્યુરેશન હાંસલ કરી દરેક પાત્ર લાભાર્થી સુધી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.
નવસારી જિલ્લા વહીવટીતંત્રના આ સંકલિત અભિગમથી સ્વચ્છતા, શિક્ષણ, માતા-બાળ આરોગ્ય અને કુપોષણ નિવારણ જેવા માનવ વિકાસના મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો થશે અને નવસારી જિલ્લો સુશાસન તથા સર્વાંગી વિકાસના એક અસરકારક મોડેલ તરીકે ઉભરી આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેકટર જે.એન.લિખિયા સહિત જિલ્લા સંકલનના અધિકારીઓ રૂબરૂ તથા પ્રાંત અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઈન ઉપસ્તિથ રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે