
ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગરની એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (MKBU), ગુજરાત સામાજિક માળખાકીય વિકાસ સોસાયટી (GSIDS), ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ટકાઉ વિકાસના વૈશ્વિક લક્ષ્યાંકો, તેના સ્થાનિકીકરણ, અમલીકરણ અને વિકાસ આયોજનમાં વિવિધ હિસ્સેદારોની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
GSIDSના નાયબ નિયામક આર.જે. ગુપ્તાએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2015માં નક્કી કરાયેલા 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકોનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધી ગરીબી અને ભૂખમરાનો અંત લાવવો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, લિંગ સમાનતા, સ્વચ્છ પાણી, પર્યાવરણનું સંરક્ષણ અને સમાન સમાજનું નિર્માણ કરવાનો છે. તેમણે યુવાનોને ટકાઉ વિકાસના મૂલ્યો અપનાવી સમાજમાં જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પ્રોફેસર કે.એમ. જોશીએ SDG India Index, World Economic Forumના અહેવાલો અને ભવિષ્યમાં જરૂરી બનનારી કુશળતાઓ અંગે માહિતગાર રહેવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. જિલ્લા આયોજન અધિકારી એન.જી. કેવડીયાએ ટકાઉ વિકાસનો અર્થ સમજાવતા જણાવ્યું કે વર્તમાન જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે ભાવિ પેઢી માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે.
જિલ્લા આંકડા અધિકારી એસ.એસ. ખેમકાએ SDGs Report 2026ની મુખ્ય બાબતો રજૂ કરી હતી, જ્યારે ડૉ. કણઝરીયાએ આરોગ્ય અને ટકાઉ વિકાસ વચ્ચેનો સંબંધ સમજાવ્યો હતો. GSIDSના કન્સલ્ટન્ટ શંકરભાઈ ચૌહાણે SDGsના અમલીકરણ અને વિકાસ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન SDGs Report 5.0નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, GSIDSના પ્રતિનિધિઓ તેમજ એમ.જે. કોલેજ અને સર પી.પી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA